Skip to main content
Source
Gujarat Samachar
https://www.gujaratsamachar.com/news/national/last-year-bjp-received-rs-614-crore-and-congress-rs-95-crore
Date
City
New Delhi

- ભાજપના દાનમાં બંપર 28 ટકાનો વધારો : એડીઆરનો રિપોર્ટ

- બધા રાષ્ટ્રીય પક્ષોને કુલ 780.77 કરોડ રૂપિયાનું દાન મળ્યું, બસપાને મળેલુ દાન રૂ. 20 હજારથી પણ ઓછુ

દાન દ્વારા પૈસા મેળવવામાં ભાજપ હાલ સૌથી આગળ છે. એટલુ જ નહીં ભાજપને મળેલા દાનમાં એક વર્ષમાં ૨૮ ટકાનો વધારો થયો છે. ભાજપને ગયા વર્ષે ૬૧૪.૬ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. જ્યારે કોંગ્રેસને માત્ર ૯૫.૪ કરોડ રૂપિયા જ મળ્યા હતા. આ માહિતી અસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા આપવામાં આવી હતી. દેશના બધા જ રાષ્ટ્રીય પક્ષોને કુલ મળેલા દાનની રકમ ૭૮૦.૭૭ કરોડ રૂપિયા છે, જેમાં એક મોટો હિસ્સો માત્ર ભાજપને મળ્યો છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભાજપે કુલ ૬૧૪.૬ કરોડ રૂપિયા મળ્યાનું જાહેર કર્યું છે. ભાજપને મળેલુ દાન કોંગ્રેસ (આઇએનસી), એનસીપી, સીપીઆઇ, સીપીઆઇ-એમ, એનપીઇપી, એઆઇટીસીને મળેલા કુલ દાનથી ત્રણ ગણુ વધારે છે. 

નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન રાષ્ટ્રીય પક્ષોને મળેલા દાનમાં ૧૮૭.૦૨૬ કરોડનો વધારો થયો છે. જે અગાઉના નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧થી પણ ૩૧.૫૦ ટકા વધુ છે.  

ભાજપને વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ૪૭૭.૫૪ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું, જેમાં એક જ વર્ષમાં ૨૮.૭૧ ટકાનો બંપર વધારો થયો હતો અને રકમ ૬૧૫ કરોડ સુધી પહોંચી ગઇ છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસને મળેલા દાનની રકમ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ૭૪.૫૨ કરોડ હતી જે વધીને વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ૯૫.૪૫ કરોડે પહોંચી હતી, એટલે કે માત્ર ૨૦ કરોડનો જ વધારો થયો હતો. આ પહેલા વર્ષ ૨૦૧૯-૨૦ અને વર્ષ ૨૦૨૦-૨૧ વચ્ચે કોંગ્રેસને મળેલા દાનમાં ઘટાડો થયો હતો. 

ગયા વર્ષની સરખામણીએ સીપીઆઇ(એમ)ને મળેલા દાનની રકમમાં ૨૨ ટકા જ્યારે એનપીઆઇપીને મળેલા દાનમાં ૪૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 

ઉદ્યોગપતિઓ દ્વારા બધા જ પક્ષોને મળેલા કુલ દાનમાંથી સાત ગણુ વધારે દાન ભાજપને મળ્યું છે. બીજી તરફ સતત ૧૬માં વર્ષે માયાવતીના પક્ષ બસપાએ જાહેર કર્યું છે કે તેને ૨૦,૦૦૦ રૂપિયાથી વધુનુ દાન નથી મળ્યું. જે પણ પક્ષોને ૨૦ હજાર રૂપિયાથી વધુનુ દાન મળ્યું હોય તેની જ જાણકારી જાહેર કરવામાં આવી છે. તેનાથી ઓછુ દાન મળ્યું હોય તેની જાણકારી જાહેર કરવામાં નથી આવી. તેથી બસપાએ જાહેર કર્યું છે કે તેને ૨૦ હજાર રૂપિયાથી વધુનુ દાન મળ્યું નથી.  


abc