ગુરૂવારે બપોરે ચૂંટણે પંચે ગુજરાતની ચૂંટણી જાહેર કરતાં કહ્યું હતું કે, રાજકીય પક્ષોએ જાહેર કરવું પડશે કે ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારો કેમ પસંદ કર્યાં. ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે જે ઉમેદવારો ક્રિમિનલ રેકર્ડ ધરાવે છે તેમણે પોતાની વિગતો અખબારોમાં કે અન્ય રીતે જાહેર કરવી પડશે. પરંતુ જે તે પક્ષના ઉમેદવાર હોય તે પક્ષે પણ તેમની સ્પષ્ટતા કરવી પડશે કે શા માટે આવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. હવે ક્રિમિનલ રેકર્ડ ધરાવતા ઉમેદવારો અંગે પક્ષ અને ઉમેદવાર બંનેની જવાબદારી રહેશે. જો આમ થાય તો ભાજપ અને કોંગ્રેસે હાલના 47 જેટલા ધારાસભ્યોની વિગતો જાહેર કરવી પડશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્યોએ કરેલા સોગંદનામા પરથી તૈયાર થયેલા ADR રિપોર્ટના આધારે દિવ્ય ભાસ્કરે આ ખાસ અહેવાલ તૈયાર કર્યો છે.
2012માં 10 વધુ ધારાસભ્યોએ ક્રિમીનલ કેસો હોવાનું જાહેર કર્યું
ટકાવારીની રીતે જોઇએ તો 31 ટકા ધારાસભ્યો હતા. જયારે 24 ધારાસભ્યોએ તેમની સામે ગંભીર પ્રકારના ક્રિમીનલ કેસો હોવાનું એફીડેવીટમાં જણાવ્યું હતું. તે ટકાવારીની રીતે 13 ટકા થવા જાય છે. આમ 2012ની સરખામણીએ 2017ની વિધાનસભા ચૂંટણીમાં વિજેતા થઇને ધારાસભ્યો બનેલાં ઉમેદવારોમાં 2017 કરતાં 2012માં 10 વધુ ધારાસભ્યોએ ક્રિમીનલ કેસો હોવાનું જાહેર કર્યું હતું. જયારે ગંભીર પ્રકારના ક્રિમીનલ કેસોમાં જોઇએ તો 2012ની સરખામણીએ 2017માં વધુ 9 ધારાસભ્યો સામે ગંભીર પ્રકારના કેસો હોવાની જાહેરાત કરાઇ હતી.
બાબુભાઇ કટારા સામે ખૂનનો કેસ નોંધાયેલો હતો
તેમણે વધુમાં જણાવ્યું છે કે, 2017માં જાહેર કરનારા ધારાસભ્યો પૈકી બે ધારાસભ્યો દેડિયાપાડા ( એસ.ટી. ) બેઠકના ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવાર મહેશભાઇ છોટુભાઇ વસાવા તથા ઝાલોદ ( એસ.ટી. ) બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભાવેશ બાબુભાઇ કટારા સામે ખૂનનો કેસ નોંધાયેલો હતો.
કયા પક્ષના કેટલાં ધારાસભ્યો સામે ક્રિમીનલ કેસો
આ ઉપરાંત 6 ધારાસભ્યો સામે ખૂનની કોશિષ ( ઇ.પી.કો. કલમ 307 )ના કેસો છે. તો શહેરાના ભાજપના ધારાસભ્ય જેઠાભાઇ ઘેલાભાઇ ભરવાડ ( આહીર ) સામે બળાત્કારનો કેસ હોવાની હકીકત એફીડેવીટમાં જાહેર થઇ હતી.ભાજપના 99 ધારાસભ્યો પૈકી 18 ( 18 ટકા ) ધારાસભ્યો તથા કોંગ્રેસના 77 ધારાસભ્યો પૈકી 25 ( 32 ટકા ) અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના 2 ધારાસભ્યો પૈકી 1 ( 50 ટકા ) તેમ જ એનસીપીના ચૂંટાયેલા એક ધારાસભ્ય સામે પણ ક્રિમીનલ કેસ છે. ટકાની દ્દષ્ટિએ 100 ટકા છે.
67 ટકા ધારાસભ્યો સામે ગંભીર પ્રકારના કેસો
જયારે અપક્ષના ત્રણ ધારાસભ્યો પૈકી 2 ( 67 ટકા ) ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસો હોવાની એફીડેવીટની ચકાસણીમાં પ્રકાશમાં આવ્યું છે. જયારે ભાજપના 12 ( 12 ટકા ) ધારાસભ્યો સામે ગંભીર પ્રકારના ક્રિમીનલ કેસો છે. તો કોંગ્રેસના 17 ( 22 ટકા ) ધારાસભ્યો સામે, ભારતીય ટ્રાયબલ પાર્ટી ( બી.ટી.પી.)ના બે ધારાસભ્યો પૈકી એક ( 50 ટકા ) ધારાસભ્ય સામે ગંભીર પ્રકારના ક્રિમીનલ કેસ છે. અને એનસીપીના એક ધારાસભ્ય સામેનો કેસ ગંભીર છે. અને ત્રણ અપક્ષમાંથી 2 જણાં સામે મતલબ કે 67 ટકા ધારાસભ્યો સામે ગંભીર પ્રકારના કેસો છે.
ભાજપ અને કોંગ્રેસનું ક્રિમિનલ રેકર્ડ વાળા ઉમેદવારોને ટીકિટ આપવા મંથન
ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવારોની પસંદગીના મુદ્દે ભાજપ અને કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. ગત ચૂંટણીમાં બન્ને પક્ષોએ ક્રિમિનલ રેકર્ડ ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપી હતી.જે પૈકીમાંથી કુલ 47 ઉમેદાવારો ચૂંટણી જીતીને ધારાસભ્ય બની ગયા છે. હવે આ વખતે ઉમેદવારોની પસંદગીના મુદ્દે સુપ્રિમ કોર્ટે પણ કડક વલણ અખત્યાર કરતા બન્ને મુખ્ય પક્ષો પણ દાગી ઉમેદવારોની પસંદગી કેમ કરવી તે અંગે મંથન શરૂ કર્યું છે. 27 વર્ષના શાસનની એન્ટી ઈન્કમ્બન્સી ટાળવા માટે ભાજપ હાઈકમાન્ડે ગુનાહીત રેકર્ડ ધરાવતા ઉમેદવારોને ટિકિટ નહી આપવાનુ મન બનાવી લીધુ છે. આ જ રીતે કોંગ્રેસે પણ સમાજમાં સારી છાપ હોય તેવા ઉમેદવારોને ટિકિટ આપવાનુ મન બનાવ્યુ છે.
ભાજપના 108 ધારાસભ્યોની પસંદગી પર મંથન
ગુરૂવારથી ગાંધીનગરમાં કમલમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પ્રભારીઓની ઉપસ્થિતિમાં ગુજરાતના 182 બેઠકોના ઉમેદવારો અંગે મંથન શરૂ થયું છે. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગમાં ગુરૂવારે 47 ધારાસભ્યો અંગે ચર્ચાઓ થઈ હતી. જેમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની સીટો પર ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી. જ્યારે આજે 58 ઉમેદવારોની ચર્ચાઓ શરૂ થઈ છે. ભાજપ આવનારા સમયમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે તેવી સુત્રો પાસેથી જાણકારી મળી છે. હાલમાં ભાજપના કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં આવીને ચૂંટણીને લઈ મંથન કરી રહ્યાં છે. જે ઉમેદવાર જીતી શકે તેને જ ટિકીટ આપવાની ભાજપના નેતાઓએ રણનીતિ બનાવી છે.
કોંગ્રેસના નેતાઓના દિલ્હીમાં ધામા
કોંગ્રેસનું પહેલું લિસ્ટ આમતો સપ્ટેમ્બરમાં જાહેર થવાનું હતું. કોંગ્રેસના રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરાત કરી હતી કે 15 સપ્ટેમ્બરે કોંગ્રેસની યાદી જાહેર થશે પરંતુ ઓક્ટોબરના અંત કે નવેમ્બરની શરૂઆતમાં પણ હજી કોંગ્રેસની યાદી જાહેર થઈ શકી નથી. હાલમાં દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીની બેઠક ચાલી રહી છે. જેમાં કોંગ્રેસના 98 ઉમેદવારો નક્કી હોવાનું માનવામાં આવે છે. પરંતુ કોંગ્રેસ ક્યારે આ ઉમેદવારો જાહેર કરશે એ કહેવું મુશ્કેલ છે. સુત્રો એવું પણ કહે છે કે ભાજપની સાથો સાથ કોંગ્રેસ પણ ઉમેદવારો જાહેર કરશે.
આમ આદમી પાર્ટીએ કુલ 118 ઉમેદવારો જાહેર કર્યા
આમ આદમી પાર્ટીએ ઓગસ્ટ મહિનાથી જ ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દીધી હતી. અત્યાર સુધીની યાદીમાં પાર્ટીએ કુલ 118 ઉમેદવારો જાહેર કરી દીધા છે. તે ઉપરાંત પાર્ટીનો પ્રચાર પણ ધમધમી રહ્યો છે. હવે આપમાં કેટલા ઉમેદવારો ક્રિમિનલ રેકર્ડ ધરાવે છે એની વિગતો પાર્ટીએ ચૂંટણી પંચને આપવી પડશે. કારણ કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. તે ઉપરાંત નગરપાલિકા અને મહાનગર પાલિકાની ચૂંટણીમાં પણ પાર્ટીએ આ વખતે સારૂ પ્રદર્શન કર્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીમાં કેટલા ઉમેદવારો ક્રિમિનલ રેકર્ડ ધરાવે છે તેની વિગતો એફિડેવિટમાં જ ખબર પડશે.